સ્વયં અને સમાજ માટે યોગઃ વલસાડના અબ્રામા ખાતે યોગ દિન પૂર્વે યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો.
સૂક્ષ્મ વ્યાયામ, વિવિધ આસનો અને પ્રાણાયામનો સૌ સાધકોએ અભ્યાસ કરી સ્વસ્થ જીવનનો સંદેશ મેળવ્યો
વલસાડ, તા. ૨૦ જૂન
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને વર્ષ ૨૦૧૫ થી આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. જે અંતર્ગત ચાલુ વર્ષ તા. ૨૧ જુન ૨૦૨૪ ના રોજ ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર ઠેર ઠેર થનાર છે ત્યારે યોગ દિનના આગલા દિવસે તા. ૨૦ જૂનના રોજ વલસાડના અબ્રામા મણીબાગ ખાતે રાધા ક્રિષ્ણા મંદિરના હોલમાં રાધા યોગ શાળા, જેસીઆઈ અને વી કલબના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ગાઈડલાઈન મુજબ કોમન યોગા પ્રોટોકોલ અંતર્ગત યોગાભ્યાસનો કાર્યક્રમ યોજાયો હતો.
યોગશાળાના સંચાલિકા તેમજ નેશનલ યોગાસનના કોચ અને ઉત્તરાખંડ યોગાસન ગોલ્ડ મેડાલિસ્ટ રાધા પારિતોષ જોશીએ યોગ સાધકોને વિશ્વ યોગ દિવસનું મહત્વ સમજાવી યોગના વિવિધ આસનો અને વિવિધ પ્રાણાયામથી સ્વાસ્થ્યને થનારા શારીરિક તેમજ માનસિક ફાયદાઓ વિશે સમજણ આપી હતી. ત્યારબાદ તમામ લોકોને સૂક્ષ્મ વ્યાયામથી લઈને વિવિધ આસનો અને પ્રાણાયામ કરાવી સાથે તેનું મહત્વ પણ સમજાવ્યું હતું. જેસીઆઈ પ્રેસિડેન્ટ જેસી પ્રણવ દેસાઈએ યોગને જીવનનો એક ભાગ બનાવી નિયમિત યોગાભ્યાસથી તંદુરસ્ત જીવન જીવી શકાય એમ જણાવી સૌને યોગ દિનની ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. વિશ્વ યોગ દિવસની ઉજવણીનો હરકોઈમાં થનગનાટ જોવા મળ્યો હતો. જેને પગલે વલસાડ આગલા દિવસથી જ યોગમય બની ગયુ હોય એવુ પ્રતિત થયું હતું.
આ યોગાભ્યાસ કાર્યક્રમમાં જેસીઆઈના ઝોન સેક્રેટરી જેસી સંદિપ ઠાકોર, વાઈસ પ્રેસિડેન્ટ પ્રોગામ જેસી વિક્રમ રાજપુરોહિત, પ્રોજેક્ટ ચેરપર્સન જેસી રાધા જોશી અને ચંદ્રપ્રભા અને જેસી વૃંદા દેસાઈ તેમજ વી કલબના પ્રમુખ નિલમબેન તોમર તેમના સાથી સભ્યો ઈન્દુ પ્રભા અને ક્રિષ્નાબેન તેમજ વિવિધ સરકારી ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત યોગ સાધકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગાભ્યાસનો લાભ મેળવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે રાધા યોગ શાલાના તમામ સ્ટુડન્ટોએ ભારે જહેમત ઉઠાવી હતી.
સ્વયં અને સમાજ માટે યોગઃ વલસાડના અબ્રામા ખાતે યોગ દિન પૂર્વે યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો --- સૂક્ષ્મ વ્યાયામ, વિવિધ...
Posted by INFO Valsad GOV on Thursday, June 20, 2024
Comments
Post a Comment