આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદીમાં છેતરપિંડીથી બચવા માટે ખેડૂતોએ કાળજી રાખવી
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૦ જૂન
વલસાડ જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે કાળજી રાખવી જરૂરી છે. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. જેથી. છેતરપીંડીથી બચી શકાય.
બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કોઈ પણ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત તાલુકાના એગ્રીકલ્ચર ઇન્સ્પેકટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ), વલસાડને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવું જરૂરી છે એવુ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ અખબારી યાદીમાં જણાવ્યું છે.
આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદીમાં છેતરપિંડીથી બચવા માટે ખેડૂતોએ કાળજી રાખવી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૦...
Posted by INFO Valsad GOV on Thursday, June 20, 2024
Comments
Post a Comment