Valsad: પિતાએ ઠપકો આપતા ઘર છોડી ગયેલી વલસાડની યુવતીને અભયમની ટીમે પરત માતા પિતાને સોંપી
અજાણ્યા રાહદારીએ યુવતી સાથે દુઃખદ ઘટના બને તે પહેલા ૧૮૧ પર કોલ કરી સતર્કતા દાખવી
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન
વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીને એક અજાણ્યા રાહદારીએ રસ્તા ઉપર નિઃસહાય અને દુઃખી હાલતમાં બેઠેલી જોઈ હતી. આ યુવતી સાથે કોઇ દુઃખદ ઘટના ન બને તેથી રાહદારીએ મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કર્યો હતો. જેથી અભયમની ટીમે સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ કરતા યુવતીએ તેનું નામ સરનામું જણાવી દુઃખ વ્યક્ત કર્યુ કે, મારી ઉંમર ૨૭ વર્ષની થઈ ગઈ છે પરંતુ હજુ સુધી લગ્ન થયા નથી. પિતા કડક સ્વભાવના હોવાથી નાનો મોટો ઠપકો આપતા રહે છે. આજે પણ ઝગડો કર્યો હતો જેથી મન દુઃખ થતા પોતે ઘર છોડી નીકળી આવી હતી. અભયમની ટીમે સમજાવતા કહ્યું કે, ઘર છોડી નીકળી જવાથી કોઇ પણ મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે જેથી યુવતીને તેના સરનામે લઇ જઈ માતા પિતાને સોંપી હતી અને માતા પિતાને પણ પોતાની દીકરીને સમજવા માટે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આમ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા યુવતીને સુરક્ષિત તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી.
Comments
Post a Comment