વલસાડ જિલ્લામાં તા. ૧ થી ૮ ઓગસ્ટ સુધી “નારી વંદન” સપ્તાહની ઉજવણી થશે
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૯ જુલાઈ
વલસાડ જિલ્લામાં તા. ૧ ઓગસ્ટથી તા. ૮ ઓગસ્ટ સુધી નારી સપ્તાહની ઉજવણી થશે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન થઈ સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર રાજ્યભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧ ઓગષ્ટ થી ૮ ઓગષ્ટ દરમિયાન “નારી વંદન” સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો સાથે નારી વંદન સપ્તાહની ઉજવણી કરાશે. તા. ૧ ઓગસ્ટના રોજ મહિલા સુરક્ષા દિવસ, તા. ૨ ઓગસ્ટના રોજ બેટી બચાવો, બેટી પઢાવો દિવસ, તા. ૩ ઓગસ્ટના રોજ મહિલા સ્વાવલંબન દિવસ, તા.૫ ઓગસ્ટના રોજ મહિલા નેતૃત્વ દિવસ, તા. ૫ ઓગસ્ટના રોજ મહિલા કર્મયોગી દિવસ, તા. ૭ ઓગસ્ટના રોજ મહિલા કલ્યાણ દિવસ અને તા. ૮ ઓગસ્ટના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી થશે.
“નારી વંદન” સપ્તાહની ઉજવણીમાં પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, બાળ સુરક્ષા એકમ, ગ્રામ વિકાસ વિભાગ, રોજગાર અને તાલીમ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ, કૃષિ અને પશુપાલન વિભાગ, આઇ.સી.ડી.એસ. વિભાગ,રમત ગમત વિભાગ સહભાગી થશે.
Comments
Post a Comment