સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત
સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત
જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ હેઠળ દોઢ એકર જમીનનો માલિકી હક્ક મળતા ૨૦૦ કલમ અને હળદરની ખેતી શરૂ કરી
પોતાના સાથે ગામના અન્ય ખેડૂતોનું પણ સામૂહિક કલ્યાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપવામાં આવ્યો
સરકારી યોજનાથી જાગૃત ખેડૂત મણિલાલ તુંબડાએ પ્લગ નર્સરી, ટ્રેકટર, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ મેળવ્યો
આલેખનઃ જિજ્ઞેશ સોલંકી
માહિતી બ્યુરોઃ વલસાડ, ૫ ઓગસ્ટ
સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે અને પ્રજા જાગૃત હોય તો સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક વિકાસ સરળતાથી સાધી શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના ખાંડા ગામના આદિવાસી ખેડૂતે પુરૂ પાડ્યુ છે. આ ખેડૂતે સરકારની માત્ર એક નહીં પરંતુ પાંચ પાંચ યોજનાનો લાભ લીધો છે. સાથે જ મહત્વની વાત એ છે કે કે, પોતાની સાથે પોતાના ગામના ખેડૂતોનું પણ કલ્યાણ થાય તે માટે તેઓને પણ સામૂહિક યોજનાનો લાભ પણ અપાવ્યો છે.
સરકાર અને પ્રજા વચ્ચે સુમેળભર્યો સંવાદ થાય તો તેના ફળ દરેકને મળતા હોય છે. જે અંગે ધરમપુરના ખાડા ગામના ખોરી ફળિયામાં રહેતા ખેડૂત મણિલાલ દેવજીભાઈ તુંબડા જણાવે છે કે, ભારત સરકારના આદિવાસી મંત્રાલય દ્વારા ઘડાયેલો જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ આદિવાસી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે. અમે બાપ દાદાના સમયથી દોઢ એકર જમીન પર ખેતી કરતા હતા. પરંતુ આ જમીન અમારા નામે ન હતી. આ જમીન લાલ શેરા સાથે જંગલ ખાતાની હતી. પરંતુ વર્ષ ૨૦૦૬માં કાયદો આવ્યા બાદ આ દોઢ એકર જમીન અમારા નામે થાય તે માટે અરજી કરી હતી. બાદમાં કચેરીમાં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા અને જિલ્લા સ્તરીય વન અધિકાર સમિતિ દ્વારા આ જમીનનો હક્ક અમને મળતા સરકારી રેકર્ડ પર અમારૂ નામ ચઢી ગયું હતું. આ જમીન પર અમે છેલ્લા ૬૦ થી ૭૦ વર્ષ સુધી ખેતી કરતા આવ્યા હતા. લેવલિંગથી જમીનને સમતળ કરી પાળા બનાવ્યા હતા. આ અગાઉ અમારી પાસે ૩ એકર જમીન હતી. જેમાં આંબાની કલમ અને ડાંગરની ખેતી કરતા હતા. પરંતુ જંગલ જમીન ફાળવાતા તેના પર હાલમાં ૨૦૦ આંબા કલમ રોપી છે અને સાથે હળદરની ખેતી પણ કરી રહ્યા છે. મારી સાથે મારી પત્ની મીરાબેન સહિત પરિવારના સાત સભ્યો પણ ખેતી કામ કરી રહ્યા છે. આ સિવાય સરકારની અન્ય યોજનાઓની જાણ થતા પ્રાયોજના વહીવટદારની કચેરીમાં જઈને તપાસ કરતા ટ્રેકટર ખરીદી માટે યોજનાનો લાભ મળ્યો હતો. રૂ. ૧૯૫૦૦૦ના ટ્રેકટરની ખરીદીમાં રૂ. ૮૫૦૦૦ની સબસિડી મળી હતી. આંબા કલમમાં ડ્રીપ ઈરીગેશન માટે રૂ. એક લાખનો ખર્ચ થયો હતો જેમાંથી ૭૦ ટકા સબસિડી મળી હતી માત્ર રૂ. ૩૦૦૦૦ ભરવા પડ્યા હતા. આ સિવાય વર્ષ ૨૦૨૩-૨૪માં પ્લગ નર્સરી યોજનાનો લાભ લઈ રૂ. ૩ લાખના ખર્ચે કલસ્ટર ઉભુ કર્યુ હતું જેમાં મરચી, રિંગણ અને ટામેટા સહિતની શાકભાજીના છોડ તૈયાર કરી વેચાણ કરી આવક મેળવી રહ્યા છે. આ યોજનામાં પણ સરકાર દ્વારા રૂ. ૨.૭૦ લાખની સહાય મળી હતી. ઉપરોક્ત વિવિધ યોજનાના લાભ થકી અમારા પરિવાર આર્થિક રીતે સમૃધ્ધ બન્યો છે. આ સિવાય વેલા વાળા શાકભાજી જેવા કે, કારેલા, ગલકા, તુરિયા અને ટિંડોળા સહિતના વિવિધ પાકની ખેતી માટે મંડપ યોજના હેઠળ રૂ. ૧૪૫૦૭ની સહાયનો લાભ પણ મળ્યો હતો. જેમાં દર વર્ષે પાક બદલીને ખેતી કરી રહ્યો છું.
મારા ગામના ખેડૂત મિત્રોનો પણ સાથે વિકાસ થાય તે માટે તેઓને જાગૃત કર્યા છે. જેના ઉત્તમ નમૂના વિશે તમને કહુ તો, ગામમાં ખેતી લાયક જમીન હતી પરંતુ પાણી માટે ફાંફા પડતા હતા જેથી આદિજાતિ વિકાસ કચેરીમાં તપાસ કરતા સરકાર દ્વારા કૂવો બનાવી આપવામાં આવે છે એવી યોજનાની માહિતી મળતા તેના માટે ફોર્મ ભરી અરજી કરતા રાજ્ય સરકારે રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપ્યો હતો. હવે ખેતી માટે સિંચાઈની તકલીફ રહી નથી. જેના કારણે અમારા વિસ્તારની ખેતી સમૃધ્ધ બની છે, જેના દ્વારા આર્થિક ઉપાર્જન પણ સારૂ એવી મળી રહ્યું છે જેના કારણે જીવન ધોરણમાં પણ ધરમૂળથી ફેરફાર આવ્યો છે. સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવવા બદલુ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું.
Comments
Post a Comment